દોઢ કરોડ બાળકોના આરોગ્ય માટે તપાસના કાર્યક્રમને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખુલ્લો મુકાય તેવી શક્યતા જણાઈ રહી છે. ગતિશીલ ગુજરાતના સ્વપ્નદૃષ્ટા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સબળ માર્ગદર્શન હેઠળ પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ શાળા આરોગ્ય કાર્યક્રમનો ૧૩મી નવેમ્બરથી પ્રારંભ થશે. જેમાં રાજ્યના ૧.૫૬ કરોડથી વધુ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી નિતીન પટેલે જણાવ્યું છે.
ગાંધીનગર ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમ ૨૦૧૪ના આયોજન માટે સ્ટીયરીંગ કમિટીની બેઠક સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરા, વન પર્યાવરણ અને આદિજાતિ મંત્રી ગણપત વસાવા અને રાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં મળી હતી.
મંત્રી નિતીન પટેલે બેઠકને સંબોધતા કહ્યું કે, દરેક માવતર માટે બાળક અને તેનું આરોગ્ય અને સુખદ ભાવિ મહામુલૂ હોય તે સ્વાભાવિક છે માતા-પિતાની બાળક પ્રત્યેની આ આશા તથા અપેક્ષા સાથે રાજ્ય સરકાર સંકળાયેલી છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શાળા આરોગ્ય કાર્યક્રમ ૫૦ દિવસ રાજ્યભરમાં ચાલશે. જેને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ૧૩મી નવેમ્બરે ખુલ્લો મુકશે.
તેમણે એ પણ કહ્યું કે, આ વખતના કાર્યક્રમમાં શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણીનો નવતર અભિગમ અપનાવાયો છે. જેમાં દાદા-દાદી અને વાલીઓની મીટીંગ દ્વારા વધુ લોક જાગળતિ કેળવાય તેવા પ્રયાસો કરાશે.
સમગ્ર સપ્તાહ દરમિયાન બાળકોના આરોગ્યની તપાસણી, તંદુરસ્ત બાળ હરિફાઈ, પૌષ્ટિક વાનગી પ્રદર્શન અને સ્વચ્છતા અભિયાનને જોડવામાં આવશે. તેમણે શિક્ષણ, આરોગ્ય અને મહિલા બાળ વિકાસ વિભાગની કામગીરીને સંકલિત કરી આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા પર ભાર મુકતા કહ્યું કે, આ કાર્યક્રમ હેઠળ સુપર સ્પેશ્યાલીટી સારવાર માટે લોકોને દૂરસુદૂરથી અમદાવાદ આવવું પડે છે તે માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ દાખવીને સ્થાનિક કક્ષાએ જ સરકારી હોસ્પિટલો કે ખાનગી સંસ્થાઓ જે સેવા કરવા માટે તત્પર છે તેમનો વ્યાપક સહયોગ લેશે. જેનાથી સારવાર માટેના વેઈટીંગ લીસ્ટમાં ધટાડો થશે. રાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ સુત્રને ચરિતાર્થ કરવા માટે વાલીઓ, શિક્ષકો અને આરોગ્ય વિભાગના કર્મીઓના સહકારથી આ અભિયાનને સફળ બનાવાશે.