October 23, 2014

happy diwali

દીપોત્સવી એટલે દીવા પ્રક્ટાવવાનો ઉત્સવ. એને દીપાવલી અને દિવાળી પણ કહેવાય છે. એ પ્રકાશનું પર્વ છે. અજ્ઞાાનના અંધકારને દૂર કરી જ્ઞાાનના પ્રાકશને પ્રકાટવવાનો દિવ્ય તહેવાર છે. શક્તિ અને શક્તિના સ્વામીની પૂજાનો સંયુક્ત ઉત્સવ છે. જન- મનની પ્રસન્નતા, હર્ષોલ્લાસ, હસી-ખુશીની અનુભૂતિ અને હેત-પ્રીતની ઉજવણીનું મહાપર્વ છે. શક્તિ અને ભક્તિ, શ્રી (લક્ષ્મી) અને સૌભાગ્ય, શુભ અને લાભની પ્રાપ્તિ કરાવનારો મંગલ અવસર છે.
હિન્દી ભાષાના કવિ ગોપાલસિંહ માલીએ દીપાવલીનું સુંદર શબ્દચિત્ર રજૂ કરતા કહ્યું હતું ઃ
''દીપાવલી દીપોં કા મેલા,
ઝિલમિલ મહલ કુટી ગલિયા રે,
ભારત ભરમેં ઉતને દીપક,
જીતને નભકે તારે ।
સારી રાત પટાખે છોડે,
 નટખટ બાલક, ઉમર હઠીલી,
મેરા દેશ બડા ગર્વીલા,
રીતિ- રસમ- ઋતુ- રંગીલી ।।
આસો વદ અગિયારસથી કારતક સુદ પાંચમ સુધી એક વર્ષના અંત અને બીજા વર્ષના આરંભની ઉમળકાભેર ઉજવણીનો માહોલ રહે છે. રમા એકાદશી, વાઘ બારશસ ઘનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ આ દિવસોને વિશેષ હેતુસર ઉજવવામાં આવે છે. ધનસંપત્તિ, સૌભાગ્ય અને સત્ત્વગુણની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીનું પૂજન, ધન તેરસના દિવસે કરાય છે. સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત ચૌદ રત્નોમાં એક લક્ષ્મીજી પણ હતા. લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ કાર્તિક વદ અમાસના રોજ થયો હતો. એ દિવસથી કારતક માસની અમાસ લક્ષ્મીપૂજા અને વેપારીઓના ચોપડા પૂજનનું પર્વ બની. દિવાળીના દિવસે થતા ચોપડા પૂજન કે શારદા પૂજનમાં ધનતેરસ- કાળીચૌદશ અને દિવાળી એ ત્રણેય દિવસની સંયુક્ત પૂજા રૃપે સોના- ચાંદીના સિક્કા, ખડિયો- કલમ અને ચોપડા- ગ્રંથ- પુસ્તક જે અનુક્રમે મહાલક્ષ્મી, મહાકાળી અને મહા સરસ્વતીનું સ્વરૃપ છે તેનું પૂજન કરાય છે. મહાકાળી શારીરિક- ભૌતિક શક્તિ આપેછે, મહા સરસ્વતી બુદ્ધિ- વિદ્યા- જ્ઞાાન આપે છે અને મહાલક્ષ્મી સંપત્તિ અને સૌભાગ્ય આપે છે.
ભારતીય સંસ્કૃતિમાં દીપાવલીના પર્વનું મહત્ત્વ અદકેરું છે. આ પર્વમાં ભગવાનના અવતાર, દેવોનું પ્રાકટય અને મહાપુરુષોના જન્મ- મરણની અનેક ઘટનાઓ બનેલી છે. ધનતેરસના દિવસે સમુદ્રમંથન વખતે ભગવાન ધન્વન્તરિનો પણ  પ્રાદુર્ભાવ થયો હતો એટલે વૈદ્યો આ દિવસે 'ધન્વંતરિ દિવસ' તરીકે પણ ઉજવે છે. પુરાણોની કથા અનુસાર કાળી ચૌદસને દિવસે ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરનો વધ કરી એના કારાગારમાં પુરી દેવાયેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી એટલે એને નરક ચતુર્દશી નામથી પણ ઓળખવામાં આવે છે.
ભગવાન શ્રી રામે વિજયા દશમીના દિવસે રાવણને મારી અશુભ પર વિજય મેળવ્યો હતો. તે સીતા સહિત અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ એમનાસ્વાગત માટે એમના ઘરોની સાજ- સજાવટ કરી રાત્રિના સમયે દીપમાળાઓ પ્રગટાવી હતી. એ પણ આ પર્વના દિવસો દરમિયાન જ બન્યું હતું. રાક્ષસોનો વધ કરી કોપાયમાન કાલી અન્ય લોકોનો પણ વધ કરવા લાગી ત્યારે ભગવાન શંકરે એમના ક્રોધનું શમન કરી આખા જગતને પ્રસન્નતા પ્રદાન કરી તે પણ આ પર્વના દિવસો દરમિયાન બન્યું હતું. એની ઉજવણીરૃપે કાળી ચૌદશનો મહિમા દર્શાવાયછે. રાજા વિક્રમાદિત્યે કાર્તિક સુદ એકમના દિવસે સિંહાસન પર બેઠા હતા એની ખુશાલીરૃપે વિક્રમ સંવતની શરુઆત એ દિવસથી થાય છે. દીપાવલીના દિવસે જ જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા. વૈદાન્તના પ્રસિદ્ધ વિદ્વાન સ્વામી રામતીર્થનો જન્મ, જ્ઞાાન, પ્રાપ્તિ અને મોક્ષ ત્રણેય ઘટનાઓ દીપાવલીના દિવસે જ ઘટી હતી. સ્વામી દયાનંદ સરસ્વતી અને વિનોબા ભાવેને આ દિવસે જ મોક્ષ પ્રાપ્તિ થઈ હતી. સિખોના છઠ્ઠા ધર્મગુરુ હરગોવિંદસિંહને આ દિવસે જ કારાગારમાંથી મુક્તિ મળી હતી.
કાર્તિક સુદ એકમ- પ્રતિપદાનો દિવસ નવા વર્ષની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરવાનો ઉત્સવ છે. નવું વર્ષ નવા સંકલ્પો અને વિચારોને ચરિતાર્થ કરવા શુભારંભ કરવાનો પ્રથમ દિવસ છે. વડીલો અને સ્વજનોને મળી એમના શુભાશિષ અને શુભેચ્છા મેળવી સ્નેહના આદાન-પ્રદાન કરાય છે. આ દિવસે ગોવર્ધનપૂજા કરાય છે અને સર્વેશ્વર શ્રી કૃષ્ણને અન્નકુટ ધરાવવામાં આવેછે. આ દિવસે ગોધન- ગાયોરૃપી ધનનીપણ પૂજા કરાય છે. ગોવર્ધનધર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો પણ સંકેત આપે છે. આ પર્વ ! 'હૃષીકેણ હૃષીકેશ સેવનં ભક્તિઃ  ઇતિ અભિધીયતે- ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોના સ્વામીની સેવા કરવી એને જ ભક્તિ કહેવાય છે.' ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ભોજન લેવાજાય છે ત્યારે બહેન ભાઈને તિલક કરી એની પૂજા કરે છે. ભાઈબીજને 'યમદ્વિતીયા' પણ કહેવાય છે એવું કહેવાય છે કે આ દિવસે ભાઈ અને બહેન એક સાથે યમુના સ્નાન કરે તો યમ યાતનાથી બચી જાય છે. આ પર્વનો મહિમા સમજી જે એને જીવનમાં ઉતારે છે તે સમ્યક્ જ્ઞાાન પામી, સૌભાગ્ય સુખનો લાભ પામે છે. એટલે અંતે કાર્તિક સુદ પાંચમે જ્ઞાાન-પંચમી, સૌભાગ્ય પંચમી એટલે કે લાભપાંચમ આવે છે.