October 26, 2014

પૈસાનો ઉપયોગ – મહોમ્મદ માંકડ

આધુનિક માનવી માટે પૈસા વિના જીવવું દુષ્કર છે. પૈસા ખોરાક અને પાણી જેટલું જ મહત્વ એના જીવનમાં ધરાવે છે. ભર્તૃહરિએ ધનની ત્રણ ગતિ દાન, ભોગ અને નાશની વાત કરી છે. મહદઅંશે આજે પણ એ વાત સાચી રહી છે, પરંતુ નાણાકીય બાબતો નિષ્ણાતો માટે પણ વધુને વધુ જટિલ બની રહી છે. અર્થશાસ્ત્ર વિષયના કોઈ એક પાસાં ઉપર પી.એચ.ડી થઈને ડોકટરેટની ઉપાધિ મેળવી શકાય છે. એટલે એ રીતે જોઈએ તો આ વિષય ઘણો ગહન અને વિશાળ બનતો જાય છે અને આધુનિક સમયમાં માણસના જીવનને સૌથી વધુ સ્પર્શતો વિષય તો તે છે જ. ધનના બદલાતા જતા સ્વરૂપ અને ઉપયોગને લઈને આધુનિક માનવી માટે પૈસાને માણતાં જ નહિ. એને વાળતાં શીખવાનું પણ બહુ જ જરૂરી બની ગયું છે.
આધુનિક માનવી માટે માત્ર પૈસા કમાવા એ જ પૂરતું નથી. એનો યોગ્ય ઉપયોગ કરવા ઉપર માણસના સ્વસ્થ અને સુખી જીવનનો વધારે આધાર છે. વીરડામાંથી કે કૂવામાંથી પાણી ઉલેચાય તો જ વીરડાનું કે કૂવાનું પાણી શુદ્ધ રહી શકે એવું જ પૈસાનું છે. પૈસાની યોગ્ય રીતે થતી આવક અને જાવક દ્વારા માણસ પોતાની જાતને શુદ્ધ રાખી શકે છે, સ્વસ્થ સુખી જીવન જીવી શકે છે.
કેટલાંક માણસો પૈસા કમાયા પછી એનો ઉપયોગ ઋણ ફેડવામાં કરતા હોય છે જે એનો શ્રેષ્ઠ ઉપયોગ છે. કેટલાક પૈસાને વાવે છે, કેટલાક એને માણે છે અને કેટલાક તો એને વેડફી જ નાખતા હોય છે. જેમ પૈસા કમાવાનું મુશ્કેલ છે એ જ રીતે કેટલાક લોકો માટે પૈસા કમાયા પછી એને જીરવવાનું પણ એટલું જ મુશ્કેલ હોય છે. એવા લોકો હાથે પૈસા વેડફાઈ જાય છે. પૈસા અનેક રીતે વેડફાઈ જાય છે. જેનાથી કોઈ ભૌતિક, શારીરિક કે માનસિક આનંદ મળી શકે તેમ ન હોય, જેનું પરિણામપીડાદાયક હોય, વિનાશકારક હોય, જેનાથી ગરીબી અને પ્રુફલિસી આવી તેમ હોય, જેનાથી પોતાનું કે બીજાનું કશું ભલું થાય તેમ ન હોય એવી રીતે વપરાયેલા પૈસા વેડફાઈ ગયેલા પૈસા ગણાય.
પોતાની હેસિયત ન હોવા છતાં બીજા દેખાદેખીથી, લગ્ન પ્રસંગે કે એવા બીજા કોઈ સામાજિક પ્રસંગે વાપરેલ પૈસાથી વાપરનારને કોઈ ફાયદો નથી થતો, આબરૂમાં વધારો નથી થતો પરંતુ એના પૈસા વેડફાઈ જાય છે. દેડકો ગમે તેટલું પેટ ફૂલાવે છતાં હાથી ન થઈ શકે. એવી નકામી ચેષ્ટા એને જ નુકશાન કરે છે. એવી જ રીતે બીજાની ઈર્ષ્યા કરવામાં વપરાયેલા પૈસા પણ વેડફાઈ જ જાય છે. ઈર્ષ્યા માણસના સ્વભાવમાં રહેલી હોય છે, પણ એની પાસે જ્યારે પૈસા આવે છે ત્યારે એની ઈર્ષ્યા ‘વકરી’ જાય છે અને એવી ઝેરી ઈર્ષા એને જ પાયમાલ કરે છે. બીજાની દેખાદેખી અને ઈર્ષાથી પૈસા વાપરનારના પૈસા વેડફાઈ જાય છે.
એ જ રીતે ખોટી રીતે મોજશોખ કરનારના પૈસાનો પણ દુરુપયોગ થાય છે. એટલું જ નહિ, ખોટી ઉદારતા બતાવનાર માણસ પણ પૈસાનો દુરુપયોગ કરે છે. ઉદારતા બહુ મોટો ગુણ છે, પરંતુ તેમાં અને ઉડાઉપણામાં ફેર છે. ઉદારતા જ્યારે દેખાદેખીથી કે પોતાના ગર્વને સંતોષવા માટે હોય ત્યારે તે ઉડાવપણું બની જાય છે. ઉદારતા એ માનવીના અંતરનો ગુણ છે. જેનું અંતર નિર્મળ હોય, નિષ્પાપ હોય, બીજાનું દુ:ખ જોઈને જેનું દિલ દ્રવી જતું હોય તે સ્વાભાવિક રીતે જ ઉદાર હોય છે. તેને ઉદારતાનો દેખાવ કરવાની જરૂર પડતી નથી. બીજા ઉપર છાપ પાડવાની કે અભિમાન બતાવવાની જરૂર પડતી નથી.
અને જેવી ભેદરેખા ઉદારતા અને ઉડાઉપણા વચ્ચે છે એવી જ કરકસર અને લોભ વચ્ચે છે. કરકસર ગુણ છે. લોભ અવગુણ છે. પૈસા ખર્ચવાની બાબતમાં કરકસર અત્યંત આવશ્યક ગુણ છે. એનું પાલન કર્યા વિના કોઈ વ્યક્તિ પૈસા કમાઈ શકતી નથી, એટલું જ નહિ ધનવાન તો બની શક્તી જ નથી. અલબત્ત, કરકસરની મર્યાદા દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવી જોઈએ અને કંજૂસાઈમાં સરી ન પડાય એનો ખ્યાલ રાખવો જોઈએ.
જે માણસ પોતાના શોખ પાછળ, આનંદ પાછળ કુટુંબના સભ્યોના આનંદ પાછળ ખર્ચે છે તે પૈસા વેડફી નાખતો નથી. પૈસા ઘણા પાસે હોય છે, પરંતુ એ પૈસાને યોગ્ય રીતે માણી કેટલા શકે છે ? પૈસા ખોરાક જેવા છે તે ન હોય તો માણસ સુકાઈ જાય છે. પીડા અનુભવે છે. તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ‘આફરો’ ચડે છે. મનગમતો પૌષ્ટિક ખોરાક યોગ્ય પ્રમાણમાં માફકસર લેવામાં આવે તો એનો ખાનાર મીઠી તૃપ્તિ અનુભવે છે. પૈસાનો ઉપયોગ પણ એવી રીતે જે કરે છે એ એનો આનંદ માણી શકે છે. ગરીબીની પીડા અને અમીરીનો આફરો બંને નુકશાનકારક છે. પૈસાનો યોગ્ય ઉપયોગ કરવાનું કામકપરું છે. માણસ એના અતિચારી સ્વભાવને કારણે જડ બનીને જીવતો હોય છે. અથવા તો વિલાસમાં સરી પડતો હોય છે. પૈસાનો યોગ્ય ઉપયોગ કરી જીવનના આનંદને માણનાર વ્યક્તિઓ સમાજમાં જૂજ જ હોય છે. પૈસા વેડફાઈ ન જાય એ અંગે જાગૃત રહીને સ્વસ્થ મન રાખીને સમતુલા જળવાઈ રહે એ રીતે પૈસા વાપરનાર સારું આધુનિક સગવડોવાળું જીવન જીવે છે એ જ રીતે પોતાની જાતના વિકાસ પાછળ, પોતાના કુટુંબની સુખાકારી પાછળ, બાળકો પાછળ માણસ જ્યારે પૈસા ખર્ચે છે ત્યારે તે પૈસા વાવે છે. એ રીતે ખર્ચેલા પૈસાનું અનેકગણું વળતર એને મળે છે. સંબંધો બાંધવા માટે અને ટકાવવા માટે ખર્ચાતા પૈસા પણ એને મોટે ભાગે વધુ વળતર આપે છે. માણસ કોઈને મીઠાઈ મોકલે, કશીક ભેટ આપે. અરે, દાન આપે ત્યારે એનાથી એણે પોતે ધાર્યું પણ ન હોય એટલો ફાયદો એને મળતો હોય છે. આવો દરેક પૈસો એ વાવેલો પૈસો છે અને ખેતરમાં વાવેલા અનાજના ઘણામાંથી જેમ કેટલાક નકામાં જાય તો પણ જે ઊગે છે તે અનેકગણું વધારે વળતર આપીને નકામા ગયેલાની ખોટ ભરપાઈ કરી દે છે, એ જ રીતે જે પૈસા વાવે છે તેને સ્વાભાવિક રીતે જ તેનું વળતર મળે છે.
પૈસા વેડફી નાખવા તે મૂર્ખાઈ છે. યોગ્ય રીતે માણવા એ એનો ખરો ઉપયોગ છે અને એને વાવવા એ એક જરૂરિયાત છે. મિલકતો અને બચતોમાં રોકેલાં નાણાં પણ વાવેલાં નાણાં છે.
પરંતુ, પૈસાનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ તો માણસ પોતાના ઉપરનું ઋણ ફેડવા માટે કરે તે છે. આ ‘ઋણ’ એટલે માત્ર વ્યવસાય માટે કરેલું કે એવા બીજા કોઈ કારણે કરેલું ઋણ નહિ, પરંતુ જે ઋણ દરેક માનવી ઉપર એ માનવી હોવાના કારણે હોય છે એ ઋણ. એવું ઋણ દરેક માનવી ઉપર એના માતાપિતાનું, સગા-વહાલાનું, મિત્રોનું, સમાજનું હોય છે.
મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન આવું ઋણ સ્વીકારતાં કહે છે કે : ‘દિવસમાં સો એક વાર હું મારી જાતને યાદ કરાવતો રહું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન, હયાત હોય તેવા જ નહિ પરંતુ મૃત્યુ પામ્યા હોય તેવા બીજા લોકોના શ્રમઉપર આધારિત છે. મને જે કાંઈ મળ્યું છે, અને હજુ પણ મળી રહ્યું છે એ ઋણ ફેડવા માટે, મારે પણ એ લોકોની માફક જ પરિશ્રમ કરવો, એ મારી ફરજ બની રહે છે.’
તન, મન અને ધન ત્રણેનો ઉપયોગ કરીને આવું ઋણ ફેડવું એ દરેક માનવીની ફરજ બની રહે છે. રોજ સવારે આપણે સંકલ્પ કરીએ કે પૈસા વેડફીશું તો નહિ જ. પૈસાથી ઋણ ફેડીશું. પૈસા યોગ્ય રીતે માણીશું અને થોડા પૈસા વાવીશું.