October 22, 2014

કાળી ચૌદશ

કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે,  એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી..સદાચારી બનાવે છે.  મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે.  મનુષ્યમાં રહેલા કુવિચારો.. દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.

કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.  આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.  આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ,  સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી,  પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે,  ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા.  તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો.  ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે.  જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને જીવનમાંથી દૂર કરવાના છે.  ૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ... સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ… રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી